આપણે સુખી હોઈએ તોપણ તેનો આપણને ધરાવો હોતો નથી.માટે વધુ સુખમાં વધુ જાગૃત રહેવાની જરૂર રહે છે.દુઃખને સમજવા તેની સંન્મુખ થવું પડે.જ્યાં નથી હોતો પ્રેમ અને નથી હોતી ઘૃણા,નથી હોતું દુઃખ અને નથી હોતું સુખ.અહીં કોઈ પણ પ્રકારનો વિચાર કે ભાવ ન હોવાથી શાશ્વત સુખ હોય છે. દુઃખને વૈચારિક રીતે સમજવા જતાં તે સમયની પેદાશ બની જશે. એટલે એક દુઃખ દૂર થાય છે તો બીજું દુઃખ પેસી જાય છે.પરંતુ તે નિર્મૂળ થતું નથી.જ્યારે 'પોતાની જાતની' જાણ થાય છે ત્યારે જ સાચું સુખ પેદા થાય છે,કેમકે ત્યારે 'દુઃખ પણ હું જ છું તે મારાથી ભિન્ન નથી 'એવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ સ્થિતિમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ હોતો નથી.એટલે વિચાર,સ્મૃતિ તથા અનુભવ ન હોવાથી સુખની શાશ્વત અનુભૂતિ થતી હોય છે.